Monday, 19 December 2016

રશિયાનો ભારતને જબરદસ્ત ઝટકો, CPECને આપ્યું સમર્થન

આતંકવાદના મુદ્દે આંતરરાષ્ટ્રીય સ્તર પર પાકિસ્તાનને એકલુ અટલું કરી દેવાની ભારતની કોશિશને એક મોટો ઝટકો મિત્ર દેશ રશિયાએ જ આપી દીધો છે. ભારતના ખુબ જ નજીકના મિત્ર ગણાતા રશિયાએ ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર(CPEC) પ્રોજેક્ટને ખુબ જ મજબુતીથી સમર્થન આપ્યું છે. અગાઉ રશિયાએ આ પ્રોજેક્ટમાં કોઈ પણ પ્રકારનો રસ દાખવ્યો નહતો. એટલું જ નહીં રશિયાએ આ કોરિડોરને યુરેશિયન-ઈકોનોમિક યૂનિયન પ્રોજેક્ટ સાથે લિંક કરવા બદલ પણ ઈચ્છા વ્યક્ત કરી છે.
અત્રે જણાવવાનું કે CPEC એટલે કે ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર બલૂચિસ્તાન સ્થિત ગ્વાદર અને ચીનના જિનજિયાંગને જોડશે. આ કોરિડોર પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના ગિલગિટ-બાલ્ટિસ્તાન વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો છે જેના પર ભારતનો દાવો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ મુદ્દે ચીનના રાષ્ટ્રપતિ શી જિંગપિંગ સામે વિરોધ વ્યક્ત કરી ચૂક્યાં છે.
રશિયાએ આ જ વર્ષે કહ્યું હતું કે ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર સાથે તેમને કોઈ મતલબ નથી. રશિયા કોઈ પણ રીતે આ કોરિડોર સાથે જોડાઈ રહ્યું નથી. પરંતુ હવે પાકિસ્તાનમાં રશિયાના રાજદૂત એલેક્સી વાઈ ડેડોવે જણાવ્યું કે રશિયા અને પાકિસ્તાને સીપીઈસીને યુરેશિયન ઈકોનોમિક યૂનિયન પ્રોજેક્ટ સાથે જોડવા અંગે વાતચીત કરી છે.
સંબંધો પર પડશે અસર
જાણકારોનું માનવું છે કે જો આમ થશે તો ભારત અને રશિયાના સંબંધો પર ચોક્કસ અસર પડશે. બંને દેશો વચ્ચે અવિશ્વાસની ભાવના પેદા થશે. આ અગાઉ ગોવામાં આયોજિત બ્રિક્સ સંમેલન દ્વારા ભારતે આતંકવાદના મુદ્દે પાકિસ્તાનને ભીંસમાં લેવાની કોશિશ કરી હતી. પરંતુ ત્યારે પણ રશિયા તરફથી જેવો સહયોગ મળવો જોઈતો હતો તે મળ્યો નહતો. બ્રિક્સ સંમેલન બાદ જારી થયેલા ઘોષણાપત્રમાં સયુંક્ત રાષ્ટ્ર તરફથી પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો વિરુદ્ધ કાર્યવાહી કરવાની વાત કરાઈ હતી. જૈશ એ મોહમ્મદ અને લશ્કર એ તૈયબા આ યાદીમાં સામેલ તો છે જે પાકિસ્તાનની ધરતી પરથી કાર્યરત છે પરંતુ કાર્યવાહીની વાત માત્ર આઈએસઆઈએસ અને અલ કાયદા સામે જ કરાઈ.

No comments:
Write comments

Recommended Posts × − +