નોટબંધી બાદથી કાળાનાણાની તપાસમાં દેશભરમાં 200થી વધુ જગ્યાઓ પર સર્ચ અભિયાન ચલાવાયા અને કરોડો રૂપિયાની કેશ જપ્ત કરાઈ છે. અલગ અલગ જગ્યાઓ પરથી સતત જપ્ત કરવામાં આવી રહેલી કેશમાં મોટા પ્રમાણમાં નવી ચલણી નોટ એટલે કે 2000 રૂપિયાની નોટો સામેલ છે. જે હાલ બેંકો અને એટીએમ મશીનોમાંથી પણ મુશ્કેલથી મળી આવે છે. સૂત્રોના જણાવ્યાં મુજબ આવકવેરા વિભાગને આ પ્રકારના કાળા નાણાની માહિતી સરકારી ખબરીઓ પાસેથી મળે છે. આ ખબરીઓ ખાસ જગ્યાઓ પર છૂપાયેલા હોય છે અને મોટી લેણદેણ પર ખાસ નજર રાખીને બેઠા હોય છે. તેનો સીધો અર્થ એ છે કે બેંક કે બજારમાં તમારા પર કોઈ સતત નજર રાખી રહ્યું છે. જો કે આવકવેરા વિભાગે આ અંગે કોઈ પણ માહિતી આપવાનો ઈન્કાર કરી દીધો છે.
નોટોનો સિરિયલ નંબર મદદરૂપ
આ બાજુ 2000 રૂપિયાની નોટોનો સિરિયલ નંબર તપાસકર્તાને એ જાણવામાં મદદરૂપ થઈ પડે છે કે આ નોટ કઈ બેંક દ્વારા આપવામાં આવી છે. જેના દ્વારા તપાસકર્તા મની લોન્ડરિંગમાં સામેલ બેંક અધિકારીઓ સુધી પહોંચી જાય છે. આ ઉપરાંત જ્વેલરી શોપ જેવી જગ્યાઓ પર સીસીટીવી ફૂટેજ પણ રેડ મારવામાં મદદરૂપ થાય છે જ્યાં લોકો મોટા પ્રમાણમાં ખરીદી કરવા પહોંચી જાય છે.
RBI નો અધિકારી પકડાયો
અત્રે જણાવવાનું કે મંગળવારે 13મી ડિસેમ્બરે જ બેંગ્લુરુની રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની બેંગ્લુરુ બ્રાન્ચના એક ઓફિસરની આ મામલે ધરપકડ કરાઈ છે. આરબીઆઈની ઓફિસમાં તૈનાત સિનિયર સ્પેશિયલ આસિસ્ટન્ટ કે.માઈકલની ધરપકડ 1 કરોડ 51 લાખ 24 હજારની જૂની નોટોને નવી નોટોમાં બદલવા મામલે કરવામાં આવી છે. આરબીઆઈ ઓફિસર સ્ટેટ બેંક ઓફ મૈસુર દ્વારા કાળા નાણાને સફેદ કરવાનો ગોરખધંધો ચલાવતો હતો. આ મામલે અત્યાર સુધી 3 લોકોની ધરપકડ થઈ છે.
ક્યાંથી આવે છે નવી નોટો
આવકવેરા અધિકારીઓના જણાવ્યાં મુજબ અત્યાર સુધી લગભગ 120 કરોડની રકમ જપ્ત થઈ છે અને 1500 કરોડની અઘોષિત આવકની જાણકારી મળી છે. રેડમાંથી 2000ની નવી નોટોના બંડલો જોઈને દરેકના મનમાં હવે સવાલો ઉઠી રહ્યા છે. લોકો જાણવા ઈચ્છે છે કે આખરે આ નવી નોટો કાળા નાણાના કુબેરો સુધી પહોંચી કેવી રીતે? સૂત્રોના જણાવ્યાં મુજબ જે લોકો પાસે કાળુ નાણુ હતું તેમણે મોટી સંખ્યામાં મજૂર જેવા લોકોના આઈડીની મદદથી એક સાથે નોટો બદલાવી લીધી. આ કામમાં તેમને બેંકના અધિકારીઓએ પણ મદદ કરી હોઈ શકે.

No comments:
Write comments